બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

ચંદ્રાવતી બે વર્ષની થઈ ત્યારે ડૉક્ટરસાહેબે આ બંગલો બંધાવ્યો હતો. સારંગપુરના મહારાજાએ હૉસ્પિટલના કમ્પાઉન્ડની નજીકનો આ પ્લૉટ તેમને નજીવી કિંમતે આપ્યો હતો. બંગલાની આગળ – પાછળ ખુલ્લી જગ્યા હતી. બંગલાના ચાર – પાંચ પગથિયાં ચઢતાં મોટો વરંડો, અને ત્યાંથી અંદર પ્રવેશ કરીએ તો મોટો હૉલ આવે. હૉલની જમણી બાજુએ ભોજનકક્ષ હતો. પૂજાની ઓરડી અને ચંદ્રાવતીની રુમ ભોજનકક્ષને સમાંતર હતાં. હૉલની પાછળની બાજુએ કોઠાર અને રસોડું. હૉલની ડાબી બાજુએ ડૉક્ટરસાહેબનો શયનકક્ષ અને તેમાં જ અંગ્રેજી કાચ મઢાવેલું બાથરુમ. ડૉક્ટરસાહેબના શયનગૃહને અડીને બે ઓરડા હતા. એક શેખરનો અને એક મહેમાનો માટે. બંગલાની પાછળના આંગણામાં ભારતીય પદ્ધતિનું બાથરુમ હતું અને તેની બાજુએ ઉપર અગાશીમાં જવાનો દાદરો.

રામરતન ઘોડાગાડીવાળો ડૉક્ટરસાહેબને હૉસ્પિટલમાં અને શેખરને નિશાળે મૂકવા નીકળી જાય ત્યારે ઘરમાં મા-દીકરી અને એકાદ બે નોકર સિવાય બીજું કોઈ ન હોય. જાનકીબાઈ પૂજાઘરમાં કે રસોડામાં અને ચંદ્રાવતી તેના કમરામાં અભ્યાસ કરતી હોય. કોઈ કોઈ વાર રસોડામાં નાસ્તાના ડબા ફંફોસવા આવે એટલું જ.

ચંદ્રાવતીની પરીક્ષાઓ નજીક આવી હતી. અભ્યાસમાં ધ્યાન પરોવતી હતી ત્યાં જાનકીબાઈ મોટે મોટેથી વ્યંકટેશસ્ત્રોત્ર ગાવા લાગ્યાં: ‘ધાવ ધાવ રે ગોવિન્દા, હાતી ઘેઉનિયાં ગદા/કરી માઝ્યા કર્માચા ચેંદા, સચ્ચિદાનંદા! (હે ગોવિંદ, હાથમાં ગદા લઈને દોડતાં આવો અને મારા કર્મોને છુંદી નાખો, હે સચ્ચિદાનંદ!)

સ્તોત્ર રટતાં રટતાં તેમને અચાનક કંઈક યાદ આવ્યું, અને પ્રભુસ્મરણ અર્ધે મૂકી તેમણે બૂમ પાડી, “અરે બાલકદાસ!”

સિકત્તર પાછળના આંગણામાં વાવેલાં શાકભાજીને ઝારી વતી પાણી પાતો હતો. તેણે જવાબ આપ્યો, “જી હજૂર, સિકત્તર અબ્બે હાલ આયા,” પણ આરામથી પોતાનું કામ કર્યે રાખ્યું.

જાનકીબાઈનો બબડાટ શરુ થઈ ગયો. “આ સિકત્તર પણ ખરો છે! જાતનો આહિર, પણ તેનો રુવાબ તો જુઓ! કપાળમાં ભસ્મના પટા અને ગળામાં તુલસીની માળાઓનો ઠઠારો! જેને તેને કહેતો ફરે છે કે હું ડૉક્ટરસાહેબનો સેક્રેટરી છું, મને સિકત્તર કહીને બોલાવો!” સ્વગત વક્તવ્ય સાથે તેમણે ભગવાનને એક એક કરીને ફૂલ ચઢાવ્યાં અને આરતી પૂરી કરી. ચરણામૃતનું પાણી પાછળના તુલસીક્યારામાં રેડવા જતાં હતાં ત્યાં તેમને કશું’ક યાદ આવ્યું. રસોડા પાસે તે રોકાઈ ગયા અને હવે ધારદાર અવાજમાં બૂમ પાડી, “બાલકદા….સ!”

શેઠાણીના અવાજમાંની તીક્ષ્ણતા સિકત્તર ઓળખી ગયો અને હાથમાંની ઝારી ઝડપથી હોજના કઠેડા પર મૂકી, પોતાના મેલા ધોતિયા વતી હાથ લૂછતાં લૂછતાં ડફોળ જેવો ચહેરો કરીને આવ્યો અને રસોડાનાં પગથિયાંથી થોડે દૂર ઉભો રહ્યો. 

“બડે બાબુજીકે જઈકે સતવન્તીકો કહિયો, ઠાઢે ઠાઢે બંગલે પર આ જઈયો.”

ચંદ્રાવતીએ નિ:શ્વાસ મૂક્યો. ‘આજે સત્વન્તકાકીના દિગ્દર્શન નીચે પાપડ બનવાના છે. આખ્ખો દિવસ ધમાલ રહેવાની અને બા કહે છે, ‘ઠાઢે – ઠાઢે!’ અને સત્વન્તકાકી એકલાં થોડાં આવશે? સાથે આવશે તેમની બન્ને દીકરીઓ! ઓ મા! આજે તો રિવિઝનનો સત્યાનાશ થવાનો છે.’

મૅટ્રિકના વર્ગની વિદ્યાર્થિનીઓને પરીક્ષાની તૈયારી કરવાની રજાઓ પડી હતી. ચંદ્રાવતીએ પુષ્કળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. તેના ક્લાસની અંજિરા, મંજુલા, પવિત્રા અને દિઘે માસ્તરની શિલા, બધી ખિંટીએ ચોટલા બાંધીને વાંચવા મંડી પડી હશે.

પરમ દિવસે મંજુલા અને અંજિરા સવારના પહોરમાં જ તેની પાસે આવી પહોંચી હતી ; અંગ્રેજીનાં પ્રશ્નોના જવાબ પૂછવા. તેમાં મંજુલા તો ઠીક છે, પણ અંજિરાને તો સમ ખાવા પૂરતું પણ અંગ્રેજીનું વાક્ય લખતાં નથી આવડતું. જો કે દોઢ મહિનામાં તે આ કમી પણ પૂરી કરી લેશે. તેના ઘરમાં તો જમ્યા પછી હાથ પર પાણી રેડવા અને રુમાલ ધરવા નોકર રાખ્યા છે. આ છોકરીઓની મા ભલે અભણ હોય, પણ ઍન પરીક્ષાના સમયે પાપડ – ફરફર બનાવવા પોતાની દીકરીઓ પાસે વેઠ નથી કરાવતી. પરીક્ષા મ્હોં ફાડીને સામે ઊભી છે અને અમારા માતુશ્રીને પાપડ બનાવવાનું યાદ આવે છે! મનમાં ચડભડ કરતી ચંદ્રાવતી ઈતિહાસનાં પાનાં ફેરવવા લાગી. આંખ સામેથી અક્ષરો તો ફટાફટ પસાર થઈ રહ્યા હતા, પણ મગજમાં કંઈ ઉતરતું નહોતું.  પુસ્તક બંધ કરીને તે પેન્સિલ સાથે રમત કરતી રહી અને ત્યાર પછી બારી પાસે જઈ દૂર સુધી નજર નાખતી રહી. સૂરજ બરાબર મધ્યાહ્ન પર આવી પહોંચ્યો હતો.

ગરમી એટલી પડી હતી કે અંગારા પર તપાવેલા લોઢાના સળિયાને પાણીમાં ડૂબાડતાં જેમ ‘ચર્ર ચર્ર’ અવાજ થાય, તેમ આંખો ચરચરાટ કરીને બળતી હતી. આ સડકનું નામ કોઈએ ‘ઠંડી સડક’ કેમ પાડ્યું હશે? ખેર, સડકની પેલી પાર આવેલી વિસ્તીર્ણ ઝાડીના છેવાડે શરુ થતા ભૂખરા, તાંબા જેવા ડુંગરાઓની હારના શિખર પર સોનગિરનાં આરસનાં જૈન મંદિરો તડકામાં ઝગમગતા હતા.  જૈન મંદિરોની ડાબી બાજુએ આવેલા શિખર પર પુરાતન મહાદેવના મંદિરમાં જવા માટેનાં ઊંચી અને સીધી નિસરણી જેવાં પગથિયાં સ્પષ્ટ દેખાતા હતા. પ્રખર ગરમીને કારણે સમગ્ર ઝાડી પરથી મૃગજળની જેમ તરંગો ઉઠતાં હતાં. ચંદ્રાવતીના મનમાં એક વિચીત્ર ઝંખના જાગી અને તેણે ત્યાંથી નજર ફેરવી લીધી.

હવે તેણે નજર રાજમહેલની દેવડી તરફ ફેરવી. દેવડી પરનો સુવર્ણ કળશ બળબળતા તડકામાં ઝળહળતો હતો. કાળા સૅટીનના ખુલ્લા તાકાને જાણે કોઈએ ખોલીને પાથર્યો હોય તેવી ઠંડી સડક દેખાતી હતી. સડક રાજમહેલથી નીકળી, ડૉક્ટરસાહેબના બંગલાને અડી, બંગલાની ડાબી બાજુએ થઈ એકા’દ માઈલ દૂર આવેલા ક્લબને પાર કરી ઠેઠ સારંગપુર રેલ્વે સ્ટેશન પર પહોંચે. ગામમાંથી નીકળતો કાચો રસ્તો ઠંડી સડકને મળતો. બંગલા પાસે કોઈ અવરજવર હોય તો આ કાચા રસ્તા પરથી ઠંડી સડક પર આવી, ત્યાંથી ચાલીને હૉસ્પિટલ જનારા ગરીબ અને બિમારો લોકોની ચહેલ પહેલ, અથવા રાજમહેલ જનાર ચકના પડદાવાળી એકાદ બગ્ગી કે કોઈ વાર ખુલ્લી ટમટમ (એક જાતની ઘોડાગાડી)ની આવન-જાવન હોય. નહી તો સડક સામસૂમ જ રહેતી.

અસહ્ય તડકાથી તપાયેલી ઠંડી સડક પર ઠેરવેલી ચંદ્રાવતીની નજર હવે રાજમહેલની અગાશી પરના પત્થરની જાળીવાળા હવામહેલ પર સ્થિર થઈ અને લોકપ્રિય થયેલું લોકગીત ગણગણવા લાગી : ‘જવાની સરર સરર સર્રાવૈ, જૈસો અંગ્રેજનકો રાજ/કજર દઈ, મૈં કા કરું? મોરે વૈસેઈ નૈન કટાર : અંગ્રેજન કો રાજ, જૈસો ઉડૈ હવાઈ જહાજ/જવાની સરર સરર સર્રાવૈ – જૈસી અંગ્રેજીમેં તાર!” (મારૂં યૌવન એવું હિલોળા કરે છે, જાણે અંગ્રેજોનું રાજ દેશભરમાં ફેલાયું છે અને વિમાનની જેમ વ્યોમમાં ઉડે છે. આંખમાં કાજળ શા માટે લગાડું? મારી અણિયાળી આંખો કટારીની જેમ ધારદાર છે…)

બંગલાની આગળના વરંડાના ખૂણામાં રાખેલા જોડા પહેરી દબાતા પગલે સિકત્તર બંગલાના પગથિયાં ઉતરી, બંગલાની પાછળની પગદંડી પર ચાલવા લાગ્યો અને ફરી પાછો આવી, ચંદ્રાવતીની બારીની નીચે જોડા ઉતારી બિલીપત્રના વૃક્ષ ફરતી ગોળાકારમાં બાંધેલી પાળ પર ત્રણ વાર માથું મૂકી પગે પડ્યો – જે રીતે ચંદ્રાવતી હંમેશા કરતી આવી હતી. સિકત્તરને પોતાની નકલ કરતો જોઈ ચંદ્રાવતીને ગીત ગાતાં ગાતાં જ હસવું આવી ગયું. રસોઈ પતાવીને જાનકીબાઈ ચંદ્રાવતીની પાછળ ક્યારે આવીને ઉભાં એની તેને ખબર ન રહી.

“રામ જાણે, ક્યાંથી કેવાં કેવાં ગાયન સાંભળીને આવે છે અને બરાડા પાડીને ગાતી જાય છે!” તેઓ બોલ્યાં. 

ચંદ્રાવતી ચમકી ગઈ. તેણે ગરદન ફેરવી બા સામે જોયું.

“સાંભળ, આજે ‘એમની’ જમવાની વ્યવસ્થા હૉલમાં કરવાની છે. તેમને જોઈતી ચીજવસ્તુનું બરાબર ધ્યાન રાખજે, એવું કહેવા આવી તો તું તો બાઈ ગાયનમાં મશગૂલ છો! બારીમાં ઉભાં રહીને જેવાં તેવાં ગાયન ગાવાનાં ના હોય, સમજી?”

“કેમ વળી?” વિસ્ફારેલી નજરે મા તરફ જોઈ ચંદ્રાવતીએ પૂછ્યું.

“રસ્તા પર લોકો આવતા-જતા હોય છે. વળી બડે બાબુજીના દદ્દા આવ્યા છે, ખબર છે ને?”

“ખબર છે, હવે!”  બારી પાસેથી ખસી ચંદ્રાવતી ચિડાઈને બોલી.

“દદ્દાને ગામમાં જવું હોય તો આપણા કમ્પાઉન્ડમાંથી જ જતા હોય છે. બહુ ઝી…ણી નજર હોય છે એમની.”

“એવા તે આપણા કોણ થાય છે આ દદ્દા કે આપણે તેમનાથી ડરવું જોઈએ?”

“તને કહીને શો ફાયદો? પેલા કાલીચરણ ઝાડુવાળાની બૈરી કજરી જાંબુડીની નીચે બેસી તેના ભુલકાને ધવડાવતી હતી. એનું બિચારીનું ધ્યાન પણ નહોતું કે તેનો ઘૂંઘટ ખસી ગયો હતો અને દદ્દા ત્યાંથી નીકળી રહ્યા હતા.”

“પછી?”

“પછી શું? દદ્દા એવું તે કાંઈ બબડ્યા એમની ભાષામાં, આપણી તો જીભ પણ ન ઉપડે એવું કહેતાં.”

“પણ કહો તો ખરી!”

“શું કહું? છિનાલ…રાં…” એવી ગાળ આપીને તેના પર થૂંક્યા.”

“છી!” જાણે પોતાના શરીર પર થૂંક ઉડ્યું હોય તેવી સૂગથી તમતમીને ચંદ્રાવતી બોલી; “પણ તને કેવી રીતે ખબર પડી, બા?”

“રસોડામાંથી મેં બધું જોયું. બિચારો કાલીચરણ તેમના પગે પડ્યો અને વારે વારે કાલાવાલાં કરીને માફી માગી ત્યારે તેઓ શાંત થયા. તારા બાપુજી હૉસ્પિટલમાંથી આવ્યા પછી મેં તેમને બધી વાત કરી. અમે નક્કી કર્યું હતું કે આ બાબતમાં તને કશું ન કહેવું. પણ આજે કહેવું જ પડ્યું. અરે, દદ્દાના જોડાંનો દૂર દૂરથી કર્ર કર્ર અવાજ સાંભળતાં વેંત હું તો બાઈ, રસોડાનું પાછલું બારણું બંધ કરી દઉં છું.”

“હવામાં ગયા તમારા દદ્દા. અમારા બંગલામાં અમે ગમે તે કરીએ. અમારી મરજી,” ચંદ્રાવતી બોલી.

“તો કરો જે કરવું હોય તે! આ બુંદેલા રાજપુત કોમ બહુ કડક હોય છે એવું તને સમજાવવા આવી તે અમારી ભુલ થઈ,” કહી જાનકીબાઈ રસોડા તરફ ગયાં. એમનાં પગનાં આંગળાઓ પર ચઢાવેલા વિંછિયાઓનો ટપ્પ, ટપ્પ અવાજ લાંબા વખત સુધી ગુંજતો રહ્યો. ચંદ્રાવતી ફરી એક વાર બારી પાસે ઝુકીને ઉભી રહી, જાણે સંભ્રમિત થઈ હોય તેમ. તે વિચાર કરવા લાગી : દદ્દા કજરી પર થૂંક્યા? આવું બને જ નહી. દદ્દાને જોઈને તેણે ઘૂમટો ન તાણ્યો તેમાં એવો તે શો ગુનો કર્યો?

રાજમહેલ પરથી બાર વાગ્યાની તોપ ફૂટવાનો અવાજ સાંભળી ચંદ્રાવતી ભાનમાં આવી. પિતાજીનો ઘેર આવવાનો સમય થઈ ગયો હતો. તેણે ટેબલ પરના ઘડિયાળને ચાવી આપી અને રસોડામાં જઈને ડૉક્ટરસાહેબના ભોજનની તૈયારી કરવા લાગી.

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું: captnarendra@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

from વેબગુર્જરી https://ift.tt/2tnwMkh
via IFTTT

વિરામ ચિહ્નો

જ્યોતીન્દ્ર દવે

મનુષ્યના આકારમાં જુદાં જુદાં વિરામચિહ્નો સંસારમાં ફરતા માલૂમ પડે છે. દરેક મનુષ્ય વિશિષ્ટ લક્ષણ અમુક વિરામચિહ્ન વડે સહેલાઈથી દર્શાવી શકાય. કેટલાંક મનુષ્યો મૂર્તિમાન આશ્ચર્યનાં ચિહ્નો જ હોય છે. એમનો સ્વભાવ, એમનું વર્તન, એમની વાતચીત એ સર્વ આપણને આશ્ચર્યકારક જ લાગે છે. અર્ધુ કાર્ય કરીને તેને છોડી દેનારા આરંભશૂરા સજ્જનો, કેવળ સંકલ્પો કરી, એ સંકલ્પની ફળસિદ્ધિ માટે ઉદ્યમ ન કરનારા સર્વ પુરૂષો અર્ધવિરામ જેવા કહી શકાય. કૌંસમાં મૂકવા લાયક મનુષ્યો પણ ઘણા છે. પોતાનો એક વાડો કરી તેમાં જ બંધાઈ રહી ત્યાંથી ડગલું પણ ન ચળનારા કૂપમંડુકો ઉપલા વર્ગના છે. અવતરણ ચિહ્ન (Inverted Commas)ની ગરજ સારે એવા મનુષ્યોમાં મોટે ભાગે લેખકો આવી જાય છે. બીજાના જ શબ્દો બોલનારા, બીજાના વિચારોનો પડઘો પાડનારા, વીરપૂજાના તત્વને સમજ્યા વગર મહાપુરૂષોનાં નામોનું અને શબ્દોનું સ્થળે સ્થળે ઉચ્ચારણ કરનારા માનવ અવતરણ ચિહ્નો ઓછાં નથી. પૂર્ણવિરામ એ પરમેશ્વરનું પ્રતીક કહી શકાય.

આ સર્વ વિરામચિહ્નોમાં ભયંકરમાં ભયંકર પ્રશ્નચિહ્ન છે. અત્યાર સુધી મને પ્રશ્નચિહ્નોનો બહુ અનુભવ નહોતો થયો, પણ હમણાં જ થોડા વખત પર એવું એક પ્રશ્નચિહ્ન મારા સમાગમમાં આવ્યું હતું. એનો અનુભવ થયા પછી જ મને સમજ પડી કે મારી માફક કોઈએ કંટાળી જઈને એના માથા પર જોરથી મુક્કો માર્યો હશે અને તેથી જ એ પ્રશ્નચિહ્ન માથા આગળથી વળી ગયેલું હોય છે.

હિંદુસ્તાન અતિથિ સત્કારની ભાવના માટે પંકાયેલું છે. પણ એ વિષયમાં હું હિંદી કરતાં સામાન્ય મનુષ્ય વધારે છું. એટલે જ્યારે મારા સદ્ગત કાકાના એક મિત્ર (જેને હું ઓળખતો પણ નહોતો) તેનો થોડાક મહિના સારું એઓશ્રી મારે ત્યાં પધારવાના છે એવી મતલબનો પત્ર આવ્યો ત્યારે મને આનંદ થયો એમ હું કહી શકું એમ નથી, પરંતુ મારા વૃદ્ધ કાકીના માનને ખાતર મને બહુ જ આનંદ થયો હોય એવો મારે ઢોંગ કરવો પડ્યો.
કોઈએ કહ્યું છે કે પ્રથમ દર્શને સામા મનુષ્ય સારુ જે અભિપ્રાય બંધાઈ જાય છે તે જ ખરો હોય છે, પણ એ વાત બિલકુલ પણ ખરી હોય એમ મને લાગતું નથી, કારણ કે જ્યારે મેં એમને સ્ટેશન પર પ્હેલવ્હેલા જોયા ત્યારે એ સજ્જન જેવા લાગ્યા હતા. મળતાં વારને અમારે યુગો પહેલાનું ઓળખાણ હોય એવી ઢબે એમણે મારી જોડે વાત કરવા માંડી, મારી ખબર પૂછી, મારાં કાકીની ખબર પૂછી, મારાં માતાપિતાની ખબર પૂછી, (મેં જો પાળ્યાં હોય તો) મારાં કૂતરા, બિલાડી તથા પોપટની ખબર પૂછી. રસ્તામાં જે જે મનુષ્યો મળતા તેમના સંબંધી, તેમની આર્થિક, નૈતિક અને સામાજિક સ્થિતિ સંબંધી એઓશ્રી મને વિવિધ પ્રશ્નો પૂછતા અને યથાશક્તિ હું જવાબ આપતો.

ઘેર આવ્યા પછી એમણે મારી સ્થિતિ, મારા શોખ, મારું વાંચન, મારી આવક, મારો ખર્ચ, મારાં સગાવ્હાલાં, મારા શત્રુ, મારા મિત્ર, મારું ઘર, મારા ઘરની વસ્તુઓ, મારો મહોલ્લો અને મારા આડોશીપાડોશીઓ; એ સર્વ વિષે તથા અમારું શહેર, અમારા શહેરના સંભાવિત ગૃહસ્થો, જોવાલાયક સ્થળો ઇત્યાદિ પરચુરણ વિષય પરત્વે મને તથા મારાં કાકીને જે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા તે સર્વ જો હું અહીં (યાદ રહ્યા હોય તો) ઉતારું તો વાચક ને હું બંને જરૂર આપઘાત કે અન્યઘાતનો વિચાર કરીએ.

દુર્ભાગ્યે એમના આવ્યા પછી બે દિવસ રહીને મારી જન્મતિથિ આવી. તે દિવસે એમનાથી છૂટવાના મેં બહુ પ્રયાસો કર્યા પણ તે સર્વ વ્યર્થ ગયા. સાંજે મેં મારા મિત્ર તથા સગાંવ્હાલાંને નોતર્યા હતાં.

મિત્રમંડળી આવી પહોંચ્યાને થોડી વાર થઈ એટલે મારા અતિથિએ પોત પ્રકાશવા માંડ્યું. હું કોઈ બીજા જોડે વાત કરતો જરા પણ અટકું એટલે તરત જ એઓ પૂછતા: ‘આ સામે બેઠું તે કોણ?’ ‘મારા મિત્ર છે. ’ પાછો થોડીવાર હું અન્ય મિત્રો સાથે વાતચીતમાં રોકાતો એટલે એઓ મને કાનમાં પૂછતા, ‘એનું શું?’ હું નામ કહું એટલે પાછું પ્રશ્નબાણ છૂટતું: ‘એના પિતાનું નામ શું?’ આ પ્રમાણે હું મારા મિત્ર સાથે વાર્તાલાપ કરવામાં બરાબર રીતે ભળી ના શક્યો એટલે તેમણે મારા વગર વાતો કરવા માંડી. આખરે કંટાળીને હું દાદર પાસે એક ખૂણામાં જઈને બેઠો. તરત જ મારા અતિથિ મારી પાસે આવી નિરાંતે મારી જોડે ગોઠવાયા. અમે બંને આમ બીજા બધાથી જરાક દૂર થયા એટલે એમને પ્રશ્નોની હારમાલા છોડવાની ફાવટ આવી.
‘પેલા હિચકા પર બેઠા છે તે પેલા તમારી સામે સામે ખુરશી પર બેઠા છે તેના કંઈ સગા થાય?’
‘ના.’
‘ત્યારે બંનેનાં મોઢાં મળતાં કેમ આવે છે?’ 

‘ખબર નથી.’ 

‘પેલા, હમણાં મારી જોડે વાત કરતા હતા તે બહુ ધનવાન છે?’ 

‘ના.’ 

‘એના પિતા જીવે છે?’ 

‘હા.’
‘નોકરી કરે છે?’ 

‘હા.’ 

‘શું કમાય છે?’ 

‘પૈસા.’ 

‘કેટલા?’ 

‘અંકગણિતમાં એ સંખ્યા આપેલી છે.’ 

‘પેલો બટાકા જેવો –’ 

‘મારા મિત્ર સારું લગાર વિનયપૂર્વક બોલો તો ઠીક.’ 

લગાર પણ હતાશા વગર એમણે આગળ ચલાવ્યું: ‘પેલો ભરાઉ શરીરવાળો છે –’ 

દાંત પીસીને હું વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘તેનું શું?’ 

‘તેને ભાઈબહેન છે કે એકલો જ છે?’ 

‘ભાઈબહેન છે.’ 

‘કેટલાં?’ 

‘પાંચ.’ 

‘બધાં પરણેલાં છે?’ 

‘ના.’ 

‘કુંવારા છે?’ 

‘ના.’ 

‘ત્યારે?’ 

‘થોડાં પરણેલાં છે, થોડાં કુંવારા છે.’ 

‘પરણેલાં કેટલાં છે?’ 

મારા મગજમાં એક ભયંકર વિચાર જાગ્યો; હૃદય જોરથી ધબકી ઉઠ્યું; એમના ગળા તરફ નજર ગઈ ને હાથમાં અદભૂત પૈશાચિક ચેળ આવી. ક્ષણ વાર મને લાગ્યું કે મારું ભાવિ મને ફાંસીના લાકડા તરફ ઘસડી જાય છે; મારે માથે અતિથિહત્યાનું કલંક ચોંટવાનું ! પણ થોડી વારમાં જ એ વૃત્તિ શમી ગઈ અને સન્નિપાતનો ચાળો શમી જતાં રોગી થાય છે તેમ હું શાંત થઈ ગયો.

આવા તો કેટલાયે દિવસો વહી ગયા છતાં હું જીવતો રહ્યો ને એ પણ જીવતા રહ્યા ! અનેક યુક્તિઓ મેં અજમાવી જોઈ, પણ કેવળ આકારમાં નહિ પણ આચરણમાં પણ દાતરડાં જેવું આ પ્રશ્નચિહ્ન મારા હૃદયને ઘાસની પેઠે કાપ્યાં જ કરતું. બીજા પ્રશ્નો જ્યારે એમને ન જડતા ત્યારે ‘કેમ ઊઠ્યા?’, ‘ચા પીઓ છો?’, ‘નહાઓ છો?’, ‘જમ્યા?’. ‘મોં ધુઓ છો?’, ‘પાણી પીઓ છો?’, ‘પાન ખાઓ છો?’, ‘સૂતા છો?’, ‘ખમીસ બદલ્યું?’ ‘કોટ પહેર્યો?’, ‘ટોપી પહેરી?’, ‘બહાર જાઓ છો?’, ‘દીવાસળી લીધી?’, ‘દીવો સળગાવ્યો?’, ‘ફૂંક મારી?’, ‘ઓલવી નાખ્યો?’ એવા એવા હું કરતો હોઉં તે કાર્ય સંબંધી પ્રશ્નો પૂછતા. જગત પર એક જાતનો મને તિરસ્કાર આવી ગયો; મોં પર વિષાદ ને કંટાળાની રેખાઓ પડી ગઈ; ને કોઈ પણ દિવસ હું હસ્યો ન હોઉં ને કદાચ હસ્યો હોઉં તો હવે તો નહિ જ હસું એવો ભાવ મારા મુખ પર ને હૃદયમાં છવાઈ રહ્યો.
આખરે મૌન ધારણ કરવાનો અને એ પૂછે તેનો બિલકુલ સમજાય નહિ તેવી નિશાનીઓ વડે ઉત્તર આપી એમને પ્રશ્ન પૂછતા જ બંધ કરી દેવાનો મેં ઠરાવ કર્યો, પણ એ યુક્તિમાં હું સફળ ન થયો. આખો દિવસ ચેષ્ટાઓ કર્યા કરવી – અને તે પણ કોઈથી સમજાય નહિ એવી રીતે – એ કાર્ય દેખાય છે તેના કરતાં ઘણું કપરું છે. નિશાનીઓ કરવી છોડી દઈ એ શું પૂછે છે તે બિલકુલ સમજતો જ ન હોઉં એવા આશ્ચર્યનો ભાવ વ્યક્ત કર્યા કરવાનો મેં પ્રયત્ન કર્યો. એઓ પ્રશ્ન પૂછ્યા જતા ને હું કંઈ પણ બોલ્યા વગર આશ્ચર્યથી એમના સ્હામું જોઈ રહેતો.

થોડી વાર અમારે – 

‘?’
‘!’
‘?’
‘!’
‘?’
‘!’
આમ ચાલ્યા કર્યુ. પણ બારણા દીધે કંઈ યમદૂત જાય છે? આમ ફાવ્યું નહિ એટલે કાગળ પેન્સિલ લઈ આવી મારા હાથમાં આપી એમણે કહ્યું – પૂછ્યું:

‘બોલતા કેમ નથી? લખી જણાવો.’ 

‘જીભ કરડાઈ ગઈ છે; બોલાતું નથી.’ મારે લખવું પડ્યું.

‘ડૉક્ટરને બતાવી?’ 

‘હા.’ મેં લખ્યું.

‘ક્યા ડૉક્ટરને?’ 

‘આ જ શહેરના.’ મેં લખી જણાવ્યું.

‘તેનું નામ શું?’ 

‘જાણતો નથી.’ મેં લખ્યું.

‘આશરે?’ 

‘આશરે શું નામ હશે? ચીમનલાલ? મગનલાલ? છગનલાલ?’ 

‘એ કલ્પનાતીત વિષય છે. ધાર્યા નામ હોતાં નથી. એમ નામ ખબર ના પડે.’ 

‘એના બાપનું નામ શું?’ 

‘વિદિત નથી.’ 

‘કેમ?’ 

‘ખાસ કારણ છે.’ 

‘શું?’ 

‘પ્રશ્નો પૂછીને બીજાને કંટાળો આપવાની મને ટેવ નથી.’ 

‘એની માનું નામ તો ખબર છે ને?’ 

‘ના.’ 

‘એની પ્રેક્ટિસ કેમ ચાલે છે?’ 

‘સાધારણ.’
‘આજે એને ત્યાં કેટલા દર્દીઓ આવ્યા હતા?’ 

‘પચાસ.’
‘કાલે તમારા ધારવા પ્રમાણે કેટલા આવશે?’ 

‘હવે જો એક પણ સવાલ પૂછશે તો તારું ખૂન કરીશ !’ મેં લખેલો કાગળ એને આપ્યો – ના, આપ્યો તો નહિ પણ આપવાનો વિચાર કર્યો ને પછી તરત ફાડી નાખ્યો અને આંખ મીંચીને થોડી વાર સુધી હું પડી રહ્યો. એ રીતે પણ હું શાંતિ ભોગવી ન શક્યો, કારણ કે થોડી વાર રહીને એણે મને પૂછ્યું : ‘હવે કેમ છે?’ ત્યારે મારાથી બોલી દેવાયું: ‘સારું છે.’ પાછી પ્રશ્નોની પરંપરા છૂટી. આખરે કંટાળીને મેં એમને પૂછ્યું :

‘ભદ્રંભદ્રને આગગાડીમાં મળેલા તે તમે જ કે?’ 

‘ભદ્રંભદ્ર કોણ?’ એમણે પૂછ્યું.

‘અમારા પાડોશીની ગાય. ’ થોડીવાર વિચાર કરીને મેં જવાબ આપ્યો.

‘તે આગગાડીમાં શું કામ ગઈ હતી?’ 

‘દૂધ વેચવા.’ 

‘દૂધ વેચવા? કોને વેચવા? તમારો પાડોશી દૂધ વેચે છે? દૂધ કેવું હોય છે?’ 

આમ એને સંભાળવા માટે અનેક પ્રશ્નો સાંભળવા પડ્યા. પણ તેને લીધે મને એક સરસ યુક્તિ સૂઝી આવી. ત્યાર પછી હંમેશાં દરેક પ્રસંગે ને દરેક સ્થળે મેં એ યુક્તિનું પાલન કરવા માંડ્યું, અને એ યુક્તિમાં હું સંપૂર્ણ રીતે સફળ થયો. એ યુક્તિ કેવી હતી તે નીચેના એક જ દાખલા પરથી સમજાઈ જશે.

મારાં કાકીને પિયેર કોઈનું સમચરી હતું, ત્યાં મારા માનવંત પરોણાને લઈને મારે જમવા જવાનું હતું. જમી રહ્યા પછી અમારા જ્ઞાતિજનો સંબંધી એણે પ્રશ્નો પૂછવા માંડ્યા. ‘પેલા તારી જોડે બેઠા હતા તે કોણ હતા?’ 

‘મારા કાકાની બકરી.’ મેં જવાબ દીધો ને ક્ષણભર એ દિડ્મૂઢ થઈ ગયા.

‘ને પેલા તમારી સામે હતા તે?’ 

‘અમારા દાદાનો ઘોડો.’ મેં કહ્યું.

થોડી વાર રહીને એમણે પાછું પૂછ્યું : ‘તે બંને એકબીજા સ્હામે ઘૂરકતા કેમ હતા?’ 

‘અસલનાં વેર.’ મેં જવાબ દીધો.

‘વેર કેમ થયાં?’ 

‘રામલાલ હતો –’ 

‘રામલાલ કોણ?’ 

‘મારી જોડે બેઠા હતા તેના ફૂઆસસરાના ભત્રિજા-જમાઈના કાકાસસરાનો સાળો.’ 

‘તેને શંભુલાલ –’ 

‘શંભુલાલ કોણ?’ 

‘મારી સામે બેઠા હતા તેના સાસુની નણંદની ભોજાઈના ભાઈની બહેનનો વર.’ ‘એક દહાડો રામલાલને શંભુલાલ રસ્તામાં મળ્યા.’ 

‘કયા રસ્તામાં?’ 

‘લાલ પાણીના કૂવા આગળ થઈને જવાય છે ત્યાં. રામલાલ છાપરે ચઢીને શંભુલાલ સામે ભૂંક્યો ને શંભુલાલ કૂવામાં જઈબે રામલાલ સામે ભસ્યો. પછી છગનલાલ, ચીમનલાલ, રમણલાલ, રમાશંકર, મયાશંકર, બોઝ, ટાગોર, વેલ્સ, લૉઈડ –’ 

‘એ બધા કોણ?’ 

‘મારી ફોઈના કૂતરાઓ. તે દોડી આવ્યા ને રમણલાલને ગેટ પર લઈ ગયા. પોલિસ તેને પગે કરડ્યો. એટલે રામલાલને ઝેર ચઢવાથી શંભુલાલ મરી ગયો. રામલાલને સારું આણેલું ઘાસ ફોજદાર ખાઈ ગયો. એટલે રામલાલે ફોજદારને ડાફું ભર્યુ. ફોજદારે તેની સ્હામે દાંત કચકચાવ્યા ને સિપાઈએ ચૂડ ભેરવી. પછી જૅક નામના કૂતરાએ મોટા સાણસાથી બંનેને પકડીને એક ઘડામાં પૂરીને આકાશમાં ફેંકી દીધા….’
મારા કાકી હજી એમ જ માને છે કે શહેર છોડીને પાછા એ પોતાને ગામ ગયા તેમાં બધો વાંક મારો જ છે !

* * *

સૌજન્ય : http://www.mavjibhai.com

from વેબગુર્જરી https://ift.tt/2Ki7hXN

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની આ ત્રિઅંકીય શૃંખલાના પહેલા મણકામાં આપણે તેમની કારકીર્દીની ૧૯૪૬માં થયેલી શરૂઆતથી ૧૯૪૯ સુધીના ગીતો સાંભળ્યા. એ ગીતોની એક ખાસ બાબત એ હતી કે મોટા ભાગનાં ગીતો પરદા પર અને પરદા પાછળ એ જ ગાયકે ગાયાં હતાં. તે સિવાયનાં ગીતોમાં પાર્શ્વગાયકની પસંદગીમાં તે સમયનું માન્ય ધોરણ અપનાવાયેલું જોવા મળવા ને બદલે સચિન દેવ બર્મનને જે કંઇ પ્રતિભા ઉપલબ્ધ હશે તેનો ઉપયોગ કરવાથી કામ લેવું પડ્યું હોય એવું તારણ પણ નીકળી શકે.

આજના આ બીજા મણકામાં આપણે સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલ ૧૯૫૦થી ૧૯૫૫ સુધીની ફિલ્મોમાં તેમણે રચેલાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોને સાંભળીશું.

આ સમયગાળાની શરૂઆત ‘મશાલ’ અને ‘અફસર’થી થાય છે, જે ફિલ્મોએ ‘૫૦-‘૬૦ના દાયકા પ્રથમ પંક્તિના સંગીતકારમાં તેમનું નામ સુદૃઢ કરવામાં પાયાની ઈંટોની ભૂમિકા ભજવી. એક વાર તેમનું સ્થાન નિશ્ચિત થઈ ગયા પછીથી હવેની તેમની સમગ્ર કારકીર્દી દરમ્યાન સચિન દેવ બર્મન પુરુષ સ્વરનાં મુખ્ય સૉલો કે યુગલ ગીતોમાં મોહમ્મદ રફી, કિશોર કુમાર કે પછી તલત મહમૂદ, હેમંત કુમાર, મન્ના ડે કે મૂકેશ જેવા પ્રસ્થાપિત ગાયકોનો જ વધારે ઉપયોગ કરતા જોવા મળે છે. પરિણામે, તેઓએ ‘અન્ય’ પુરુષ ગાયકોને ગીતની સીયુએશનની જરૂરિયાત અનુસાર, પોતાની પસંદથી, ઉપયોગમાં લીધા હોય એમ જરૂરથી પૂર્વધારણા કરી શકાય.

સચિન દેવ બર્મન – અરૂણ કુમાર મુખર્જી

‘મશાલ’ (૧૯૫૦)નાં ‘ઉપર ગગન વિશાલ‘ ગીતે સચિન દેવ બર્મનની કારકીર્દીમાં નવો પ્રાણ ફૂંક્યો હોવાનું મનાય છે. કહેવાય છે કે ૧૯૪૬માં મુંબઈ આવ્યા પછીના અનુભવોને કારણે સચિન દેવ બર્મન એટલા હતોત્સાહ થઈ ગયા હતા કે ‘મશાલ’ને અધવચ્ચે છોડીને તેઓ કલકત્તા જવા માટે બેગબિસ્તરા બાંધી ચૂક્યા હતા. ‘મશાલ’ના નિર્માતા અશોક કુમાર, સહયોગી સંગીતકાર મન્ના ડે જેવા મિત્રોની સમજાવટને કારણે સચિન દેવ બર્મન રોકાઈ ગયા. બસ, અને પછી આ એક સફળતાએ જે કંઈ રચ્યું તે ઈતિહાસથી આપણે બહુ સારી રીતે વિદીત છીએ.

જબ હમ થે તુમ્હારે ઔર હમ થે તુમ્હારે…વો થોડે સે દિન થે કિતને પ્યારે – મશાલ (૧૯૫૦) – ગીતકાર: પ્રદીપ

અરૂણ કુમાર મુખર્જી અશોક કુમારના પિત્રાઈ થાય. એ સંબંધે તેમને ફિલ્મમાં અશોક કુમાર માટે પાર્શ્વ ગાયનની તક મળી હશે ! જો કે ગીતના ભાવની રજૂઆત કરવામાં તેઓ ઉણા પડતા નથી જણાતા.

મોહે લગા સોલવા સાલ, હાયે મૈં તો મર ગયી – મશાલ (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: પ્રદીપ

ગીત મુખ્યત્ત્વે તો કકુનું નૃત્ય ગીત જ છે. એટલે ગીતનો મહદ અંશ તો શમશાદ બેગમને ફાળે જ રહે એ સ્વાભાવિક છે . અરૂણ કુમારને ફાળે અમુક જ પંક્તો જ ગાવાનું આવ્યું છે. શમશાદ બેગમ તો આવાં મસ્તી ભર્યાં ગીતો બહુ સરળતાથી ગાઈ શકતાં રહ્યાં છે, પણ અરૂણ કુમાર મુખર્જીની સાથે સાથે પ્રદીપજી માટે પણ આ પ્રકારનાં ગીત નવો જ અનુભવ રહ્યો હશે.

સચિન દેવ બર્મન – મન મોહન કૃષ્ણ

૧૯૫૦ની બીજી ફિલ્મ ‘અફસર’ દેવ આનંદના નિર્માણ ગૃહ નવકેતન ફિલ્મ્સની પહેલવહેલી ફિલ્મ છે. ટિકિટ બારી પર ફિલ્મને બહુ સફળતા નહોતી મળી પણ ફિલ્મમાં સુરૈયાના સ્વરમાં ગવાયેલ સૉલો ગીતો ખુબ યાદગાર બન્યાં. સચિન દેવ બર્મનના નવકેતન ફિલ્મ્સ માટે રચાયેલાં અનેક ગીતો આજે પણ હિંદી ફિલ્મ સંગીતના રસીકોના હોઠ પર રમતાં આવ્યાં છે.

જટ ખોલ દે દીવાડ પટ ખોલ દે…બધાઈ દેને કો આયે હૈ તેરે દ્વાર – અફસર (૧૯૫૦) – ગીતકાર: વિશ્વામિત્ર આદીલ

સાધુ કે ઘર છોકરીયાં દો, ઈક પતલી ઈક ભારી – અફસર (૧૯૫૦) – ગીતકાર: વિશ્વામિત્ર આદીલ

મન મોહન કૃષ્ણને આપણે તેમની ગંભીર ચરિત્ર ભૂમિકાઓ અને તેને કારણે તેમણે પરદા પર ગાયેલાં કેટલાક યાદગાર ગીતો દ્વારા વધારે યાદ કરીએ છીએ. જો કે તેમના કૉલેજકાળમાં તેઓ ગાયન હરીફાઈઓમાં જરૂર તેમનો સ્વર જમાવી લેતા હોવાનું નોંધાયેલ છે. સચિન દેવ બર્મને અહીં પ્રસ્તુત કરેલ બન્ને ગીતો તો એકદમ હળવા મૂડનાં ગીતો છે.

[આ બન્ને ગીતો અહીં રજૂ કરેલ એક જ વિડીયો ક્લિપમાં સમાવી લેવાયાં છે.]

સચિન દેવ બર્મન – હૃદયનાથ મંગેશકર

હૃદયનાથ મંગેશકરે ગાયનને બદલે સંગીત નિદર્શન પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હશે, એટલે તેમની કારકીર્દીની એકદમ શરૂઆતનાં ૧૯૫૨-૫૩નાં વર્ષોમાં રેકોર્ડ થયેલાં તેમનાં ગીતોની પાછળ પાછળ ૧૯૫૫માં તેમણે સંગીતબધ્ધ કરેલી પહેલવહેલી મરાઠી ફિલ્મ ‘આકાશ ગંગા’ રજૂ થઈ હતી.

લહરોંકે સાથ નૈયા મોરી ખેલે – બાબલા (૧૯૫૩) – ગીતકાર સાહિર લુધ્યાનવી

આ ગીત રેકોર્ડ થયું હશે ત્યારે હૃદયનાથ મંગેશકર પંદરેક વર્ષના હશે. તેમના અવાજમાંથી બાળપણની નરમાશ ગઈ નથી અને યુવાનીની પૌરૂષમય જાડાઈ આવી નથી. ગીતને સાંભળીશું તો તેમાં વરસાદના દિવસોમાં આંગણાં અને શેરીઓમાં વહી નીકળતાં વહેણોમાં કાગળની નાવને તરાવવાના આનંદની વાત વણી લેવામાંઆવે છે. એટલે ફિલ્મમાં આ ગીત કિશોર વયના કલાકારે પરદા પર ગાયું હશે તેમ માની શકાય. એવા કલાકારને અનુરૂપ રહે તેવા સ્વાભાવિક અવાજ માટે ગીત હૃદયનાથ મંગેશકરને ફાળે આવ્યું હોવું જોઈએ.

સચિન દેવ બર્મન અને જગમોહન બક્ષી

જગમોહન બક્ષી (અને તેમના સંગીતકાર ભાગીદાર, સપન સેનગુપ્તા) એ તેમની કારકીર્દી સલીલ ચૌધરીનાં બોમ્બે યુથ કૉયરમાં કોરસ ગાયક તરીકે કરી હતી, પણ નિયતિ એ બન્નેને સંગીત નિદર્શનનાં ક્ષેત્રમાં ઘસડી ગઈ. તેમણે ૪૨ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાંથી ફિર વો ભુલી સી યાદ આયી હૈ (બેગાના, ૧૯૬૩), ખો દિયે હૈ સનમ કિતને જનમ તેરી તલાશ મેં (તેરી તલાશ મેં, ૧૯૬૮; કે મૈં તો હર મોડ પે તુઝકો દુંગા સદા (ચેતના, ૧૯૭૦) જેવાં તેમણે રચેલાં ગીતો બહુ સંગીત ચાહકોને યાદ છે પણ તેમણે ગાયેલાં ગીતોની વાત આવે તો એ જગમોહન બક્ષી ગુમનામ વ્યક્તિત્ત્વ બનીને રહી જાય છે.

દેખો માને નહી રૂઠી હુઈ હસીના ક્યા બાત હૈ – ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪) – આશા ભોસલે સાથે – ગીતકાર સાહિર લુધ્યાનવી

‘ટેક્ષી ડ્રાઈવર’માં સચિન દેવ બર્મને દેવ આનંદ માટે તલત મહમૂદ અને કિશોર કુમારના સ્વર તો પ્રયોજ્યા હતા. તે ઉપરાંત આ નવા સવા ગાયકના સ્વરનો દેવ આનંદ માટે તેમણે ઉપયોગમાં લીધો છે. આમ પણ દેવ આનંદ માટે તેમણે મોહમ્મદ રફી, કિશોર કુમાર અને હેમંત કુમારના સ્વરના તો સફળતાપૂર્વક પ્રયોગ કર્યા જ છે. તેને કારણે આ ગાયકોને અન્ય સંગીતકારોએ પણ દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન માટે અજમાવ્યા છે. તો વળી સલીલ ચૌધરીએ દ્વિજેન મુખર્જી, અનિલ બિશ્વાસે શંકર દાસગુપ્તા અને સી રામચંદ્ર એ પોતાના જ સ્વરનો પણ દેવ આનંદમાટેનાં પાર્શ્વ ગાયન માટે ઉપયોગમાં લીધા છે.

સચિન દેવ બર્મન અને ઠાકુર (પ્રાણ)

તેમની સુદીર્ઘ કારકીર્દીની શરૂઆતનાં વર્ષોમાં ૧૯૪૦થી ૧૯૪૭ માં પ્રાણે ખાનદાન (૧૯૪૨) જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવઈ હતી તે બહુ ઓછાને ખબર હશે અને તેનાથી પણ ઓછાં લોકોને યાદ હશે. વિલન તરીકેની બીજી ઈનિંગ્સ તો હિંદી ફિલ્મ્ના ઈતિહાસનું એક અનોખુ પ્રકરણ જ બની રહ્યું. કારકીર્દીના ત્રીજા દૌરમાં તેમણે ઘણી યાદગાર ચરિત્ર ભૂમિકાઓ પણ ભજવી. એ પાત્રોમાં તેમણે પર્દા પર ઘણાં ગીતો પણ યાદ કરાય છે. પરંતુ એક વિલનની ભૂમિકા ભજવતાં પ્રાણ સાવ જ હલકાં ફૂલકાં ગીતમાં મૂરખ દેખાવાની ભૂમિકા ભજવે અને તેમાં સાવ જ બેસુરા સ્વરમાં પોતાનું ગીત ગાવાનું પણ કબુલ કરે એ વાત તો કોઈની જ કલ્પનામાં બંધ ન બેસે. સચિન દેવ બર્મને આ કામ કરી બતાવ્યું છે.

દિલ કી ઉમંગે હૈ જવાં…રંગમેં ડૂબા હૈ સમા – મુનિમજી (૧૯૫૫) – ગીતા દત્ત અન એહેમંત કુમાર સાથે – ગીતકાર સાહિર લુધ્યાનવી

વિલનની ભૂમુકામાં બેસુરા અવાજમાં પોતાની જ મજાક ઊડાવતું ગીત પ્રાણ દ્વારા ગાવામાં આવ્યું છે એટલા પૂરતું જ આ ગીત ન રાખવું જોઇએ. હેમંત કુમારે પણ, દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન કરતાં, એ મજાક ઉડાડવામાં ગીતા દત્તનો સાથ આપવામાં દરેક સૂરે એટલી જ બરોબરી કરી છે એ વાત પણ સાથે સાથે યાદ રહી જાય તેવી અદાથી તેમણે પોતાના ભાગે આવેલ પંક્તિઓને લાડ લડાવેલ છે.

સચિન દેવ બર્મન અને એસ બલબીર

એસ બલબીરનું નામ સાંભળતાંવેંત હિંદી ફિલ્મનાં સંગીતના ચાહકોને કંઈ કેટલીય કવ્વાલીઓ કે ભાંગડા ગીતોમાં સહગાયક તરીકે પોતાની આગવી ઓળક ઊભી કરી શકનાર ગાયકનો સ્વર જરૂરથી યાદ આવી જશે. શક્ય છે કે તેમની આ ક્ષેત્રની સફળતાએ તેમને આ ગીતોના ચક્રવ્યૂહમાં બહાર ન આવવા દીધા હોય !

નિગાહોં કો તેરે જલવે કી આસ રહેતી હૈ, હા તેરે બગૈર તબીયત ઉદાસ રહેતી હૈ, આ ભી જા કે તેરા ઈન્તઝાર કબ સે હૈ – સોસાયટી (૧૯૫૫) – મોહમ્મદ રફી સાથે – ગીતકાર સાહિર લુધ્યાનવી

આટલી તડપ, આટલી બેસબ્રીથી, ભલા કોની રાહ જોવાતી હશે ?

આમ આપણે જોઈ શકીએ છીએ કે ૧૯૫૦-૬૦ના દશકમાં સચિન દેવ બર્મન તેમની સંગીત દિગ્દર્શક તરીકેની પ્રતિભાના મધ્યાન તરફ આગેકૂચ કરતા જણાય છે. એ વર્ષોમાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વ ગાયકોના સ્વરઓને પ્રયોજવા પડે એવી સીચ્યુએશનમાં તેમણે પોતાની નવોન્મેષભરી સૂઝને પૂરેપુરી કાબેલીયતથી કામે લગાડી છે તે પણ આ ગીતોમાં આપણને જોવા મળે છે.

હવે પછીના અંકમાં આપણે સચિન દેવ બર્મનની સક્રિય કારકીર્દીના ત્રીજા સમયકાળમાં તેમણે રચેલાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વ ગાયકોના સ્વરમાં રચેલાં ગીતો સાંભળીશું.

from વેબગુર્જરી https://ift.tt/2tlG2FA
via IFTTT

કાચની કીકીમાંથી – ૨૪ – બદ્રીનાથ: બર્ફીલું ધામ

ઈશાન કોઠારી

આ વર્ષે મે મહિનામાં અમને બદ્રીનાથ જવાનો મોકો મળ્યો. અમારા એક સગા (ગૌરાંગ અને ભાવિની શાહ) દ્વારા ત્યાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું. અમે તેમાં જોડાયા, પણ અમારો મુખ્ય હેતુ ફરવાનો હતો. બદ્રીનાથ નજીક પહોંચ્યા એવી જ જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ હતી. ત્યાં બે-ત્રણ દિવસ પહેલાં જ બરફવર્ષા થઈ હતી. એ બરફ હજી પણ પીગળ્યો ન હતો.

અમે ત્યાં ત્રણેક દિવસ રોકાયા અને આસપાસનાં સ્થળોએ ફર્યાં. એમાંના અમુક ફોટા અહીં મૂક્યા છે.

****

એક સાંજે અમે બજારની બીજી તરફ, શહેરની બહારની બાજુએ જવાનું વિચાર્યું. રસ્તા ભીના હતા. વાદળ ઘેરાયેલાં હતા. એટલે ચાલવાની મજા પડી. વળાંકવાળા રસ્તાનો ફોટો મસ્ત આવે એવો હતો. અમે ઘણા ફોટા પાડ્યા. એમાં થોડો વળાંક ફોટામાં દેખાતો, પણ પાછળના પહાડ ન આવતા. પછી એક જગ્યા દેખાઈ. ત્યાં પહાડ અને આખો વળાંક દેખાતો હતો, જે ફોટો નીચે છે.

*****

એક દિવસ અમે બજારમાં આંટો મારવા નીકળ્યા ત્યારે એક કાકા દુકાનમાં ઘરાકી ઓછી હતી તેથી શાંતિથી બેઠા હતા. તેમનો ફોટો પાડવાની ઈચ્છા થઈ ગઈ. કારણ કે તેઓ જ્યાં બેઠા હતા એની પાછળની દીવાલ ફ્રેમમાં સરસ લાગતી હતી. પહેલાં કાકા એકલા બેઠા હતા. પણ જેવો તેમનો ફોટો પાડ્યો કે તરત તેમની સાથેના ભાઈ પણ ફોટો પડાવવા આવી ગયા. આથી ફ્રેમમાં ખાલી લાગતી જગ્યા સરસ રીતે ભરાઈ ગઈ.

****

અમે જે દિવસે પહોંચ્યા એ જ દિવસે આ ફોટો પાડ્યો હતો. અમારા ઉતારાની બહાર જ આ સાધુ બેઠા હતા. હું ખચકાતાં ખચકાતાં તેમનો ફોટો પાડવા ગયો. જેવો તેમણે કેમેરા જોયો કે તરત તેમણે પોઝ આપ્યો॰ પછી તેમણે થોડી-ઘણી વાતો કરી અને પૂછ્યું, ‘કહાં સે આયે હો આપ?’ પછી તેઓ મુદ્દા પર આવ્યા અને કહ્યું, ‘હમારી થોડી સેવા કર દો.’ મેં કહ્યું, ‘મૈં આપ કો આપ કી તસવીર દિખા સકતા હૂં.’ આમ કહીને મેં તેમણે કેમેરામાં તેમનો ફોટો બતાવ્યો.

****

જરૂર પડે તો સાધુઓ શ્રમ પણ કરી લેતા હોય છે.

****

અમારા ઉતારાની બહાર રોજ સવારે પીઠ્ઠુઓ ટોળે વળતા. પીઠ્ઠુ એટલે પોતાની પીઠ પર લોકોને બેસાડીને સવારી કરાવે એ લોકો. ખાસ કરીને જે લોકોને ચાલવાની તકલીફ પડે એ લોકો તેમનો લાભ લેતા હોય છે. સવારે ટોળું બેઠું હતું ત્યાં હું ગયો. તેમના ફોટા પાડ્યા. પછી તો તેઓ બધા ભાઈબંધ જેવા બની ગયા. તેમની સાથેની વાતોમાં ઘણી રસપ્રદ વિગત જાણવા મળી. તેઓ નેપાળથી આવે છે. અહીં છ મહિના એ લોકો રહે અને રોજીરોટી મેળવે. તેમનું ફક્ત આ જ કામ. કોઈ સવારી મળે તો ઠીક, બાકી તેઓ રાહ જોતા બેસી રહે. સવારી કરનારનું વજન 50 કિલો કે તેથી ઓછું હોય તો મંદીર સુધી લઈ જવાનું 300 રૂપિયા ભાડું. અને 60 કિલોથી વધારે હોય તો 600 રૂપિયા ભાડું હોય છે.

આવી રીતે પીઠ પર તેઓ લઈ જાય.

****

બદ્રીનાથમાં બજાર જતી વખતે રસ્તાની બાજુએ બેસીને બે સાધુઓ વાદ્યો વગાડતા હતા. એક જણ ખોલ નામનું વાદ્ય અને બીજા સાધુ વાંસળી વગાડતા હતા. તેમની જોડે પોતાનું માઇક અને સ્પીકર હતું. તેઓ બંને પોતાની ધૂનમાં વગાડતા હતા. વાતાવરણ સંગીતમય બની ગયું હતું.

****

બદ્રીનાથના મંદિરમાં જવા માટે ઘણી ભીડ હતી. લાંબી લાઇન જોઈને અમને દર્શન કરવા જવાની ઈચ્છા ન થઈ. છતાં ઊભા રહ્યા. ત્યાં અલગ-અલગ પ્રવૃત્તિ જોવાની મજા આવી. એક ભાઈ બદ્રીનાથ લખેલા બીબા વડે બધાને કપાળે ‘બદ્રીનાથ’ છાપી આપતા. કોઈ પ્રસાદ વેચવા ઊભા હોય, કોઈ ચંપલ સાચવવાનું કામ કરતા. લાઈનમાં ઘૂસ મારવા માટે બહાર ઉભેલાઓના નાટકો જોવાની પણ મજા આવતી. ઘણા બધા ગુજરાતીઓ પણ મળી જતા. આ બધું જોતાં લાઇન કયારે પતી ગઈ તેની ખબર ન પડી.

*****

મંદિરમાં લાઇનમાં ઊભા રહેવાની જગ્યા હતી તેની પાળીની બહાર થોડીક જગ્યા હતી, ત્યાં બાંકડા મૂક્યા હતા. તેની પર એક સાધુ બેઠા-બેઠા વાંચતા હતા. તેમની જટા પણ ઘણી હતી. સવારનું લાઇટ સરસ હતું અને એ જ્યાં બેઠા હતા તેની પાછળ સરસ નજારો દેખાતો હતો.

****

બદ્રીનાથથી ત્રણ કિ.મી દૂર માણા નામનું ગામ છે. માણાથી 7 કિ.મી ઉપર વસુધારા ફોલ્સ છે. જ્યાં ટ્રેક કરીને જ જવું પડે. ત્યાં જતાં રસ્તામાં એક ગુફા છે, જ્યાં ભભૂતિવાળા બાવા બેઠા હતા. જોઈને બીક લાગે એવા. હું તેમના ફોટા પાડવા ગયો તો તેમણે સામેથી પોઝ આપ્યો. તેઓ ચલમ ફૂંકતા હોય એવા ફોટા પાડવા ગયો તો તેમણે ના પાડી.

*****

બદ્રીનાથથી નજીક ચરણપાદુકા નામના સ્થળે અમે જઈ રહ્યા હતા. ભર બપોર હતી. રસ્તામાં એક લાઇનમાં સાધવીઓ જઈ રહ્યાં હતાં. લાઇનમાં ચાલતાં હતાં એટલે ફોટો સરસ આવે એવો હતો. પણ તાપ ખૂબ હતો. તેથી તેમનો લાલ પહેરવેશ બરાબર ન દેખાતો હતો. એટલે ફોટો મેન્યુઅલ મોડ પર પાડ્યો. શટર સ્પીડ 1/800 રાખી હતી. જેથી પાછળ અંધારું લાગે અને ફક્ત સાધવીઓના કપડાંનો રંગ જ દેખાતો હોય.

*****

માણાથી ઉપર વસુધારા ફોલ્સ તરફ અમે ટ્રેક કરીને જઇ રહ્યા હતા. આ જ રસ્તે આગળ સ્વર્ગારોહણ નામના શિખર પર જવા માટેનો ટ્રેક હતો. અમારી સાથે જે ગાઇડ હતા તેમના કહેવા પ્રમાણે સ્વર્ગારોહણ પર તમને ચઢવાના પગથિયાં દેખાય તો જ તમે ત્યાં જઇ શકો. જેને ત્રણથી વધારે પગથિયાં દેખાય તે એટલું ઉપર જઈ શકે. એ ટ્રેક ઘણો અઘરો હોય છે. ત્યાં સાધુઓ વધારે જતા હોય છે. અમે ચઢતા હતા ત્યારે એક સાધુ નીચે ઉતરતા હતા. મને બે ઘડી થયું કે આ સ્વર્ગારોહણ જઈને તો નથી આવી રહ્યા ને?

****

આ ફોટો અમે વસુધારા ફોલ્સ જતાં પાડ્યો હતો. અમે ઘણું બધુ ટ્રેક કરી લીધું હતું. હવે થોડુંક જ બાકી હતું. રસ્તામાં ઘણા લોકો આવતા-જતા મળે. અમુક લોકો અમારી જેમ થોડું-થોડું બેસીને ટ્રેક કરતા. અમને રસ્તામાં ત્રણ બહેનો મળ્યાં. તે અમારી જેમ જ થાકી ગયા હતાં. અને હવે આગળ ચાલવા તૈયાર ન હતા. એ વખતે ત્યાંના અમુક સ્થાનિક લોકો પણ આવ્યા અને સૌને તેમણે પ્રોત્સાહન આપ્યું કે હવે થોડું જ બાકી છે. આ ત્રણ બહેનો પણ પ્રોત્સાહિત થઈ ગઈ. તેઓ એટલા ઝડપથી આગળ વધી ગયા કે અમે હજી બેઠા હતા ને એટલામા તો તેઓ જઈને પાછા આવતા દેખાયા.

****

બદ્રીનાથના રોકાણની પૂરેપૂરી મઝા લઈને અમે શ્રીનગર-ઋષીકેશ થઈને હરિદ્વાર આવી ગયાં, જેની તસવીરો હવે પછી.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

from વેબગુર્જરી https://ift.tt/2ywcMRe