ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ૧ – ગુલામી :: પ્રકરણ ૧૯ -:બ્લૅક હોલ

દીપક ધોળકિયા

સિરાજુદ્દૌલાના ભયથીકલકતાની ફૅક્ટરીમાંથી બધાએ છૂટવાની કોશિશ કરી પરંતુ માત્ર ત્રણ જ જણ દૂર લાંગરેલાં જહાજ સુધી પહોંચી શક્યા. આ જહાજના સૈનિકો કાયર નીકળ્યા. એમણે ફૅક્ટરીને બચાવવા માટે કશા જ પ્રયત્ન નહોતા કર્યા. જે લોકોને સ્ત્રીઓ અને બાળકોને સલામત લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી તે પાછા જ ન આવ્યા અને જહાજો પણ મેદાન છોડીને ભાગી છૂટ્યાં હતાં.

સાંજે સિરાજુદ્દૌલા, એના સિપહસાલાર મીર જાફર અને બીજા સરદારો સાથે કિલ્લામાં પ્રવેશ્યો અને એણે તરત કૃષ્ણદાસ અને બીજા વેપારી અમીચંદને હાજર કરવા હુકમ કર્યો. એ બન્ને આવ્યા ત્યારે સિરાજુદ્દૌલાએ એમની સાથે સારો વર્તાવ કર્યો તે પછી પોતાનો દરબાર ભર્યો અને હૉલવેલને બોલાવ્યો. કિલ્લો બાંધવા માટે હૉલવેલે આપેલાં બધાં જ બહાનાંનો એણે ઇનકાર કર્યો અને કંપનીનો માલ કબજામાં લઈ લેવાનો આદેશ આપ્યો. આખા દિવસની મહેનતના અંતે માત્ર પચાસ હજાર રૂપિયાનો માલ હાથ લાગ્યો હતો. સિરાજુદ્દૌલાને આ વાતનો ગુસ્સો હતો અને એણે ગમે ત્યાંથી બધો માલ કાઢી આપવા હૉલવેલને તાકીદ કરી.

બ્લૅક હોલ

દુઃખી હૉલવેલ પાછો ફર્યો ત્યારે એના સાથીઓ સખત પહેરા નીચે હતા. ચારે બાજુ આગ ભડકે બળતી હતી. કિલ્લામાં જેટલા લોકો હતા એમના માટે છુપાવાની જગ્યા નહોતી. ગાર્ડોને એક ભંડકિયા જેવી જગ્યા મળી. આ જ બ્લૅક હોલ!

આ ભંડકિયામાં ગાર્ડોએ ઠાંસીઠાંસીને ૧૪૬ જણને ભરી દીધાં, એમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. માણસો સમાય તેમ નહોતાં, તે એટલી હદે કે છેલ્લા માણસને ઘુસાડ્યા પછી દરવાજો માંડમાંડ બંધ થયો. ૧૪૬ શરીરો એકબીજાં સાથે ઘસાતાં હતાં. વાતાવરણમાં ભેજને કારણે ભારે બફારો હતો. થોડી વારમાં તો આખા ભંડકિયામાં પરસેવાની ગંધ ભરાઈ ગઈ. શ્વાસ લેવાનું કપરું થઈ પડ્યું. હોલવેલ બારીમાં ગોઠવાયો હતો. એણે એક ગાર્ડને પાણી માટે કહ્યું. પેલાને દયા આવી અને જેટલું મળ્યું તેટલું પાણી મશકોમાં ભરીને લઈ આવ્યો. પાણી પીવા માટે કંઈ નહોતું. લોકો પોતાની હૅટોમાં પાણી લઈને પીવા લાગ્યા. તે સાથે જ ભારે ધમાચકડી મચી ગઈ. લોકો એકબીજાના મોઢામાંથી હૅટ ખેંચવા લાગ્યા. તરસ મટાડવા લોકો પોતાનાં કપડાંનો જ પરસેવો ચૂસવા લાગ્યા અને કોઈએ તો પોતાનો જ પેશાબ પી લીધો. લોકો માત્ર પાણી માટે જ નહીં, હવા માટે પણ તરસતા હતા. પણ દયામાયાએ સૌના મનમાંથી વિદાય લઈ લીધી હતી. ગરમી, ધક્કામુક્કીને કારણે વાત મારામારી પર પહોંચી. એમાં કેટલાય ચગદાઈ મૂઆ. રાતના બે વાગ્યે ૧૪૬માંથી માંડ પચાસેક જીવતા બચ્યા હતા, પણ આ ભંડકિયાની હવા આટલા લોકો માટે પણ પૂરતી નહોતી. મળસ્કે કંપનીના મુખ્ય લશ્કરી માણસો આવ્યા અને દરવાજો ખોલાવ્યો ત્યારે માત્ર ૨૩ જણ મરવાની હાલતમાં જીવતા હતા. હૉલવેલ પોતે બેભાન હાલતમાં મળી આવ્યો.

સવારે હૉલવેલને સિરાજુદ્દૌલા પાસે લઈ ગયા ત્યારે એણે એને ખજાના વિશે પૂછ્યું પણ ખજાનો તો પહેલાં જ બહાર કાઢી લેવાયો હતો. હૉલવેલના જવાબથી સિરાજુદ્દૌલાને સંતોષ ન થયો અને એણે એને કેદ કરી લીધો. બીજા ચારને છોડી મૂક્યા પણ એક સ્ત્રી હતી એને મીર જાફરે રાખી લીધી.

આ બાજુ સિરાજુદ્દૌલાએ કલકતાના ધનાઢ્યો પર હુમલા કર્યા પરંતુ એ કલકત્તા પર હુમલો કરશે એવા સમાચાર કોઈ જાસૂસે સૌને આપી દીધા હતા એટલે અમીચંદ શાહુકારની મિલકત સિવાય સિરાજુદ્દૌલાના હાથમાં બહુ ધન ન આવ્યું. આ સમય દરમિયાન કંપનીએ કોઈ માલ લંડન મોકલ્યો નહોતો અને લંડનથી કોઈ જહાજ આવ્યું નહોતું એટલે કંપનીને એ દૃષ્ટિએ બહુ નુકસાન ન થયું.

આ બાજુ લંડનમાં બ્લૅક હોલના સમાચાર પહોંચ્યા તેનાથી લોકો ખળભળી ઊઠ્યા. સામાન્ય રીતે લોકો ઈસ્ટ ઇંડિયા કંપની માટે સારા શબ્દોમાં ન બોલતા પણ આ ઘટનાએ સામાન્ય લોકોમાં કંપનીના માણસો માટે સહાનુભૂતિ પેદા થઈ. જો કે કંપનીએ પોતે આ બનાવને બહુ મહત્ત્વ ન આપ્યું. એને એટલો જ સંતોષ હતો કે જાનનું તો નુકસાન ભલે થયું પણ માલનું બહુ નુકસાન ન થયું! પરંતુ પછી નિરદ ચૌધરી વગેરે ઇતિહાસકારોએ એવું સ્થાપિત કર્યું કે બ્લૅક હોલની ઘટનાએ ક્લાઇવને ખુન્નસથી ભરી દીધો.

સિરાજુદ્દૌલા જુલાઈની બીજી તારીખે કલકત્તામાં ૩૦૦૦ની ફોજ છોડીને પોતાની રાજધાની મુર્શીદાબાદ તરફ નીકળી ગયો. એણે કલકતાનું નામ પણ બદલીનેઅલીનગર કરી નાખ્યું હતું. બીજી બાજુ, કંપનીની મદ્રાસ પ્રેસીડેન્સીમાંથી કુમક આવવી શરૂ થઈ ગઈ અને કેટલાંય જહાજો સહિત ૪૫૦ સૈનિકો એકત્ર થઈ ગયા. એમણે હુગલીના કાંઠે ફલ્તા ગામ પાસે જહાજો લાંગર્યાં. આ સ્થળ મુર્શીદાબાદથી દૂર હોવાથી અંગ્રેજોને વિશ્વાસ હતો કે સિરાજુદ્દૌલા આટલે દૂર લડાઈ માટે આવશે નહીં.

ક્લાઇવ આવે છે!

આપણે આગળ જોઈ ગયા છીએ કે ક્લાઇવ અને વૉટ્સન ગેરિયાનો કિલ્લો જીતી લીધા પછી બીજાપુર તરફ આગળ વધ્યા હતા પરંતુ કલકત્તા કંપનીના હાથમાંથી છૂટી ગયાના સમાચાર મળતાં એમને બંગાળ તરફ જવાનો હુકમ મળ્યો હતો. નીકળતાં પહેલાં જ ક્લાઇવ, વૉટ્સન અને બીજાઓ વચ્ચે કમાંડ કોણ સંભાળે તેનો ઝઘડો થયો હતો. એમાં જ બે મહિના નીકળી ગયા હતા. અંતે કર્નલ ક્લાઇવને યુદ્ધ અને વ્યૂહનું સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો. પહેલાં તો એને માત્ર લશ્કરી વડા તરીકે જ સત્તાઓ આપવામાં આવી હતી પણ પછી બધી સત્તા એને સોંપી દેવાઈ. એમનો નૌકા કાફલો ગેરિયાથી ગોવા, મદ્રાસ અને સિલોન (શ્રીલંકા)ના માર્ગે ડિસેમ્બરમાં ફલ્તા પહોંચ્યો.

બીજી બાજુ, સિરાજુદ્દૌલાએ માની લીધું હતું કે હવે કંપની તરફથી કોઈ ભય નથી એટલે એ ઑક્ટોબરમાં એના જૂના હરીફ, પૂર્ણિયાના ફોજદાર પર ચડાઈ લઈ ગયો. ક્લાઇવ સિરાજુદ્દૌલા માટે દખ્ખણના મોગલ સૂબા સલાબત ખાન, આર્કોટના નવાબ અને મદ્રાસના પ્રેસીડેન્ટના પત્રો લઈ ગયો હતો. પરંતુ એને આદેશ મળ્યો હતો કે નવાબ સંધિ માટે તૈયાર ન થાય તો એની રાજધાની મુર્શીદાબાદ પર જ હુમલો કરતાં અચકાવું નહીં. સિરાજુદ્દૌલા આ રીતે અંધારામાં જ રહી ગયો.

સંદર્ભઃ

1. Voyage from England to India in the year MDCCLIV (=1754) Edward Ives, London printed for Edward and Charles Dilly, MDCCLXXIII (=1773). (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. A HISTORY OF THE MILITARY TRANSACTIONS OF THE BRITISH NATION IN INDOSTAN, FROM THE YEAR MDCCXLV TO WHICH IS PREFIXED A DISSERTATION ON THE ESTABLISHMENTS MADE BY MAHOMEDAN CONQUERORS IN INDOSTAN. By ROBERT ORME, Esq. F. A. S.VOL. II.SECTI ON THE FIRST, A NEW EDITION, WITH CORRECTIONS BY THE AUTHOR. LONDON: 1861. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

3. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

4. http://www.kronoskaf.com/syw/index.php?title=1756_-_Siraj_Ud_Daulah_expedition_against_Calcutta


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

from વેબગુર્જરી https://ift.tt/2MNprlf
via IFTTT

Leave a comment

Design a site like this with WordPress.com
Get started